છે તોર એનો એવો કોઈની પડી નથી
આ શહેરમાં જાણે કે બીજી છોકરી નથી
અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી
પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ
એ કાચની તકતી જ ફકત આરસી નથી
એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ
એ આંખ શું જે આંખમાં તારી છબી નથી
એણે તેં કેટલી તો ફટાવી દીધી ’અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી
નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ
કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ
હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ